Saturday, May 8, 2010

ગધેડાનું સંગીત

ગોબા ગધેડાની ડોકે તેના માલિકે નાની ર્મમની ઘંટડી બાંધી. ગોબો ગધેડો ચાલે ત્યારે ઘંટડી ટનટનટન વાગે.
એક દિવસ તીડનું ટોળું આવી ચઢયું. ઘણાં તમરાં પણ હતાં. રાતના સમયે તમરાંનો અવાજ સાંભળી ગધેડો તો રાજી રાજી થઈ ગયો. તેને થયું જાણે હજારો પરીઓ ઝાંઝર બાંધી નાચતી ન હોય !
બીજે દિવસે સવારે તેણે તમરા અને તીડના ટોળાને પૂછયું, તમે આવું મઝાનું મધુર સંગીત કયાંથી શીખી આવ્યાં ?
તીડ અને તમરાંએ ગોબા ગધેડાની મજાક કરતાં કહ્યું, ગોબાભાઈ, અમે તમારી માફક ઉકરડાના કચરો નથી ખાતાં.અમે તો વહેલી સવારની ઝાકળ પીને જ જીવીએ છીએ તેથી અમારો કંઠ આવો મધુર બન્યો છે ! કહી તીડ અને તમરાનું ટોળું ત્યાંથી ઊડી ગયું. એક તમરું બેસી રહ્યું.
ગોબા ગધેડાએ તેને કહ્યું,મારા અવાજ સાંભળી અને પછી તુ કહે મારો અવાજ કેવો છે ? કહી તેણે હોંચીહોંચી.. કરી ભૂંકવા માંડયું.
તમરું બોલી ઊઠયું, વાહ ગોબાભાઈ, વાહ! તમારો અવાજ તો બહુ જ સુંદર છે. તમે પણ જો અમારી જેમ ઝાંકળનું પાણી પીને જ રહેશો તો તમારો અવાજ હજુ વધુ સારો થઈ જશે.
બિચારો ગોબો ગધેડો તમારાંની વાત સાચી માની ગયું. એ દિવસથી ગધેડાએ ખાવાપીવાનું છોડી દીધું. માત્ર ઝાકળનું પાણી પીવા લાગ્યો.
રોજનું અધમણ ખાનાર ગધેડાનું માત્ર ઝાકળના પાણીથી પેટ શી રીતે ભરાય ? ભૂખ્યા પેટે મજૂરી કરવાથી થોડા દિવસોમાં જ તે માંદો પડયો. તેને સમજાઈ ગયું, દરેકની જરૂરિયાત જુદી જુદી હોય. કોઈનો વાદ એમાં ન કરાય. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. અંતે ગધેડો મરણ પામ્યો.

No comments: