Monday, May 24, 2010

ચન્દ્રદેવનો દૂત

એક મોટા જંગલમાં વિશાળ સરોવર હતું. તેના કિનારેની આસપાસ ઊગી નીકળેલા ઘાસમાં સસલાંઓ આખો દિવસ રમતાં કૂદતાં રહેતાં.
રાત થતાં સસલાં આજુબાજુની પોત-પોતાની બનાવેલી બખોલમાં જઈ બેસતાં.એક દિવસ પાણીની શોધમાં હાથીઓનું એક ટોળું સરોવર પર આવી પહોંચ્યું.સરોવરનું પાણી જોતાં તરસ્યાં હાથીઓ રાજી થતાં દોડયા.
ઘાસ ચરતાં સસલાંઓ ગભરાઈ ગયાં. તેઓમાં નાસભાગ મચી ગઈ.એક સસલું બોલ્યું, ભાગો ભાગો, હાથીઓનું મોટું ધસી આવ્યું છે. બધાં સલામત જગ્યાયે પહોંચી જઈએ.
હાથી નો સૂંઢ હલાવતાં ઝાડની ડાળી ઓનો કચ્ચરઘાણ વાળતા સરોવર તરફ દોડતા હતા. ઘણાં સસલાં હાથીના પગ નીચે છૂંદાઈ ગયાં. ઘણાં કેળનાં પાંદડાં પર ચડી ગયાં.
તે દિવસે સાંજે હાથીઓ પાછા વળ્યા. ડરી ગયેલાં બધાં સસલાંઓ ભેગાં થયાં. કોઈને ખબર પડતી ન હતી કે હાથીઓના પગ નીચે ચગદાઈ મરતાં કેમ બચવું ?
બે- ત્રણ સસલાંઓ બોલ્યાં, આ તો હવે રોજનું થયું. હાથીઓએ સરોવર જોઈ લીધું છે. તેથી રોજ આ રસ્તેથી આપણને ચગદીને જવના.આખરે એક ઘરડા સસલાએ કહ્યું, હું તમને બધાને હાથીના પગ નીચે ચગદાઈ જવા નહિં દઉં.
બધાં સસલાં ઝાંડીમાં જઈ ભરાયાં.બીજે દિવસે સૂરજ ઊગતાં જ ઘરડો સસલો હાથીઓના વડા ગજરાજ પાસે પહોંચ્યો. તેણે હાથ જોડી કહ્યું,ગજરાજ,મારા પ્રણામ સ્વીકારો. કોણ છે તું ? અહીં મારી પાસે કેમ આવ્યો છે. બોલ, જવાબ આપ. ગજરાજ રોફ જમાવતાં પૂછયું.
હું ચંન્દ્રદેવનો દૂત છું. મને ચંન્દ્રદેવે મોકલ્યો છે. ગઈ કાલે આપ અને આપના સાથીઓએ ચન્દ્રદેવના સરોવરને ગંદું કરેલ છે. વળી ઘણાં નિર્દોષ સસલાંઓને પણ ચગદી નાખ્યાં છે. તેથી ચન્દ્રદેવ તમારા પર ખૂબ કોપાયમાન થયા છે.
ગજરાજ સસલાની વાત સાંભળી ગભરાઈ ગયા ને બોલ્યા, તો અમારે શું કરવું ? આજે રાત્રે ચન્દ્રદેવ સરોવરમાં પધારશે.તમે ત્યારે આવી તેની માફી માગજો. ગજરાજ બોલ્યા,ભલે, તમારા કહેવા પ્રમાણે સાંજ પડતા હું ચન્દ્રદેવની માફી માંગવા હાજર થઈ જઈશ.
સાંજ થતાં હાથીઓ સરોવર- કિનારે ભેગા થયા. શાણો સસલો તેમની રાહ જોતો જ ઊભો હતો. પૂનમની રાત્રે સરોવરનાં શાંત પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. ઘરડા સસલાએ કહ્યું, ગજરાજ જુઓ ચન્દ્રદેવ આજે તમને શિક્ષા કરવાના છે. તમે તેની માફી માગી લો.
સસલાના કહેવાથી ગજરાજે ચન્દ્રદેવનાં ચરણસ્પર્શ કરવા જેવી સૂંઢ નમાવી કે પાણી હાલતાં ચંદ્રબિંબ ધૂરજવા લાગ્યું. સસલો તરત બોલ્યો,જુઓ ચન્દ્રદેવ તમારા પર ગુસ્સાથી ધ્રુજી રહ્યા છે ! માટે ફરીથી માફી માંગો.
ગભરાઈ ગયેલા ગજરાજ કહે, હે ચન્દ્રદેવ,અમે ફરી કદાપિ આ સરોવર તરફ નહિ આવીએ. અમને માફ કરો. થોડી વારમાં પાણી સ્થિર થતાં ચન્દ્રનું પ્રતિબિંબ પણ સ્થિર થયું.
ઘરડો સસલો કહે, ગજરાજ, બોલ પાળજો, ચંદ્રદેવ શાંત થાય છે ને તમને માફ કરી દીધા છે.ગજરાજે વિદાય લીધી. સસલાઓ નાચવા ને કૂદવા લાગ્યા. કોઈ તો વળી લપસિયા ખાવા લાગ્યા ને હીંચકવા લાગ્યા.

ભમરાનો ન્યાય

એક મોટો મધપૂડો હતો. મધમાખીઓ ખૂબ મહેનત કરીને આજુબાજુના બગીચામાંનાં ફૂલો માંથી રસ ચૂસી લાવતી. તેમાંથી મધ બનાવી મધપૂડામાં એકઠું કરતી.
બધી મધમાખીઓ મધ એકઠું કરવા બહાર નીકળી. મધમાખી ઓની રાણી મધપૂડાનું રક્ષણ કરવા અંદર રહી. થોડીવારમાં આજુબાજુનાં ગામ માંથી બીજી માખીઓ ત્યાં ધસી આવી. મધપૂડો પચાવી પાડવાની તેમને ઈચ્છા થઈ. એટલે બધી માખીઓ મધપૂડામાં ઘૂસી ગઈ.
બહારથી આવેલી માખીઓએ મધપૂડો પચાવી પાડયો. મધમાખીની રાણીને તેમણે મારીને ભગાડી દીધી. એટલામાં બહાર ગયેલી મધમાખીઓ પાછી ફરી.એમણે પોતાના મધપૂડામાં ઘૂસી ગયેલી માખીઓને કહ્યું, અમારો મધપૂડો ખાલી કરો. ઘૂસી આવેલી માખીઓ કહે, અમે તો આ મધપૂડામાં પહેલેથી જ રહી એ છીએ.
મધમાખીઓ કહે, અમે શા માટે જઈએ ? આમ બંને વચ્ચે ખૂબ જ ઝઘડો થયો. બંને ન્યાય માટે ભમરા પાસે ગયા. ભમરો સમજદાર હતો. ભમરાએ વિચારી કરી ઉપાય શોધી કાઢયો. તેણે કહ્યું, તમે બંને નાવો મધપૂડો બનાવી બતાવો. નવો મધપૂડો જૂના મધપૂડો સાથે સરખાવી હું કહીશ કે પહેલાંનો મધપૂડો કોનો છે.
માખી કહે, અમારે મધપૂડો બનાવવાની જરૂર નથી. અમે તો આ મધપૂડામાં રહીએ છીએ. મધમાખીઓ નવો મધપૂડો બનાવવાના કામે લાગી ગઈ. માખીઓ મધપૂડો કેવી રીતે બનાવે ? એને આવડે પણ કયાંથી ? ભમરાને માખીઓનો વહેવાર જોઈને ખાતરી થઈ ગઈ કે મધપૂડામાં મઘમાખીઓ જ રહે છે.
ભમરાએ માખીઓના બંને સમૂહને પોતાનો ચુકાદો આપી દીધો, જેને મધપૂડો બનાવતાં આવડતો જ નથી એ માખીઓ મધપૂડામાં રહે નહિ. માટે મધમાખીઓ જ આ મધપૂડામાં રહેવાની ખરી હકકદાર છે.
ભમરાની વાત માની મધપૂડામાં ઘૂસી આવેલ જૂઠું બોલતી માખીઓ શરમાઈને ઊડી ગઈ. મધમાખીઓને તેનો મધપૂડો મળી ગયો. તે પોતાના મધપૂડામાં આનંદથી રહેવા લાગી. ભમરો બોલ્યો, જે પુરુષાર્થ કરે છે તેની જ જીત થાય છે.

Saturday, May 8, 2010

ગવૈયાં તીડ

ઉનાળાની બપોરે એક ઘુવડ ઝાડની બખોલમાં ઊંઘતું હતું.
એ ઝાડની નીચે ઘાસ ઊગી નીકળ્યું હતું. બે તીડો અહીં આવી ગાવા માંડયાં. આથી ઘુવડને ઊંઘમાં ખલેલ પડી. ઘુવડે બન્ને તીડને વિનંત કરી, તમે બન્ને ગાવાનું બંધ કરો, કાં તો દૂર જઈને ગાઓ. જેથી હું નિરાંતે ઊંઘી શકું. ગાવાના તાનમાં મશગૂલ બન્ને તીડ ઘુવડની વાત સાંભળી ગુસ્સે થયા. એક તીડ બોલ્યું, એય ઘુવડ, રાત આખી ઊડાઊડ કરે છે ને દિવસે તારે ઊંઘવું છે ! તારા માટે અમારે સંગીત સાધના બંધ કરી દેવી ?તારે ઊંઘવું હોય તો બીજી જગ્યાએ જઈને ઊંઘ. કહી બન્ને તીડ પાછાં ગાવા માંડયાં.
ઘુવડે ફરી વિનંતી કરી, તીડભાઈ, તમે અવાજ કરી મને હેરાન કરો છો. સાથોસાથ જવાબ પણ કેવા તોછડા આપો છો. આ સારું ન કહેવાય.
બન્ને તીડ જાણતાં હતાં કે ઘુવડ દિવસે દેખી શકતું નથી. એટલે બોલ્યાં, એ ઘુવડ, તારાથી થાય તે કરી લે. અમને ખાવા ન મળે તો ચાલે પણ ગાવા તો જોઈએ જ ! સમજાયું ? એક તીડ વાયેલીન વગાડવા માંડયું ને બીજું તીડ નાચવા માંડયું. ને વળી ગાવાનું પણ શરૂ કર્યું.
ઘુવડ મનમાં સમસમી ગયું. તેણે મનમાં નકકી કર્યું, તીડને બરાબરનો પાઠ ભણાવવો પડશે ! તે બોલ્યું, તીડભાઈ ! તમારી વાત સાચી છે. મને તમારી સંગીત સાધનાની ખબર ન હતી. તમારું મધુર સંગીત મેં ઊંઘવામાં સાંભળ્યું નહિ. હવે હું ધ્યાનથી સાંભળીશ. તમે ગાવાનું ચાલુ રાખો.
બંને તીડ પોતાનાં વખાણ સાંભળી ફુલાયાં. બમણાં જોરથી તે ગાવા લાગ્યાં. તીડને ભોળવતાં ઘુવડ બોલ્યું, વાહ , શું તમારું ગાન છે ! બુલબુલ અને કોયલ પણ તમારા જેવું ગાઈ શકે નહિ. પરંતુ હા, આખો દિવસ ગાતાં ગાતાં તમારું ગળું સૂકાઈ ગયું હશે. મારી પાસે અમારા વડીલોએ આપેલો અમૃતનો ઘડો છે. અમૃતના ઘડામાંથી તમને થોડું પાવામાં મને આનંદ થશે. તમે અહીં આવો તો હું તમને અમૃતનું પાન કરાવું.
ખરેખર ગાઈ ગાઈને તરસ્યાં થયેલા બન્ને તીડે વિચાર્યા વગર ઘુવડની વાત સાચી માની લીધી. આમ પણ ઘુવડે બન્નેની ખુશામત કરી તેઓને ફુલાવી ફાળકો કરેલાં. બન્ને તીડ ઉપર ઘુવડ પાસે પહોંચી ગયાં. બખોલમાં અંધારું હતું. ઘુવડ પાછા પગે ચાલતું બન્નેને વધુ ઊંડે લઈ ગયું.બન્ને તીડને અંધારામાં કંઈ દેખાતું ન હતું. તેઓ કંઈ બોલે તે પહેલાં ઘુવડે પોતાની અણીદાર વાંકી ચાંચમાં પકડી લીધાં.
બન્ને તીડો છૂટવા ઘણું મથ્યાં. તેઓને ઘુવડની ખોટી ખુશામતમાં પોતે ફસાઈ ગયાં છે તે વાતની ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. બંને તીડને ઘુવડે પેટમાં પધરાવી દીધા. ઘુવડને થયું, હાશ હવે નિરાંતે ઊંધવા મળશે.

ચમત્કારી ઝાડ

ઉનાળાના ધમધખતા દિવસો હતા. એક મુસાફર ચાલતો જતો હતો. ચાલતા ચાલતા તે થાકી ગયો. તેણે એક મોટું ઝાડ જોયું. મુસાફર ઝાડના છાંયે આરામ કરવા રોકાયો. મુસાફરનું નામ ઈચ્છાશંકર હતું.
ઈચ્છાશંકરને થયું, વાહ ! સૂવા માટે ગાદલું ને ઓશીકું હોત તો ઢોલિયો ઢોળીને સૂવાની મજા આવત.
ઈચ્છાશંકરને ખબર નહોતી કે જે ઝાડ નીચે એ બેઠો હાતે તે ચમત્કારી ઝાડ હતું. તે કોઈની પણ ઈચ્છાઓ પૂરી કરતું હતું.
ઈચ્છાશંકર હજુ કશું વિચારે પહેલાં આકાશ માંથી ઢોલિયો ઊતરી આવ્યો. તેના પર રેશમી ચાદર પાથરેલી હતી. સુંદર મજાનું એશીકું હતું. ઈચ્છાશંકરને માનવામાં આવતુ નહોતું કે આ સાચું છે કે સપનું છે.
તેણે પોતાને હાથે ચૂંટણી ખણી ત્યારે તેને ખાતરી થઈ કે આ સપનું નથી. ઈચ્છાશંકર ઢોલિયા પર ચડી બેઠો ને બોલી ઊઠયો
વાહ ! સરસ ! બહુ સરસ છે ! હવે આવા નિરાંતના સ્થળે એક સુંદર પરી હોય તો મજા આવે.
ઈચ્છાશંકરના વિચારતાંની સાથે જ ત્યાં સુંદર પરી આવી ગઈ. વીંઝણો લઈ તો ઈચ્છાશંકરને હવા નાખવા લાગી.
ઈચ્છાશંકર કહે, પરીરાણી, આજનો દિવસ મારા માટે ખૂબ જ શુકનવંતો છે.આપની વાત સાચી છે પરીએ જવાબ આપ્યો. ઈચ્છાશંકર કહે, મને ખૂબ જ ભૂખ લાગી છે. અત્યારે કંઈ સારું ખાવાનું મળે તો કેવું સારું !બોલતાંની સાથે જ જાતજાતનાં પકવાન, શરબત, ફળફળાદિ ને સૂકામેવાના થાળ હાજર થઈ ગયા.જાતજાતના પકવાન અને સૂકામેવાના થાળ જોઈને ઈચ્છાશંકરને થયું, આ તો રાજાની મિજબાની જ છે ને જાણે !
ઈચ્છાશંકરે પેટ ભરી ધરાઈને ખાધું અને પીધું. ફરી પાછો ઢોલિયે આડો પડયો. પરીરાણી તેને દ્રાક્ષ ખવડાવવા લાગી.
ઈચ્છાશંકરને થયું, ખરેખર મને સુખની ઘડી પ્રાપ્ત થઈ છે. પણ આ બધું ગુમ થઈ જાય તો ? અને મારા પર વાઘ હુમલો કરે તોહું શું કરીશ ? હું કયાં જઈશ ?
હજુ વિચાર પૂરો થાય તે પહેલાં તો સામેથી વાઘને આવતો જોયો. ઈચ્છાશંકર ઝડપથી ઝાડ પર ચડી ગયો. તે બૂમો પાડવા લાગ્યો, બચાવો, બચાવો. ગામ બહુ દૂર હતું. તેની બૂમો કોઈએ સાંભળી નહિ.
ઈચ્છાશંકરને થયું, મેં ઝાડના છાંયાની જ સંતોષ માન્યો હોત તો આ વાઘનું જોખમ આવી પડત નહિ. હવે તો આ વાઘ જાય તો હું ઝાડ પરથી નીચે ઊતરું. ને આવું વિચારતાં જ વાઘ ત્યાંથી જતો રહ્યો.પછી ઈચ્છાશંકર ઝાડ પરથી નીચે ઉતરી પોતાનો સામાન લઈ ચાલતો થયો.

ગધેડાનું સંગીત

ગોબા ગધેડાની ડોકે તેના માલિકે નાની ર્મમની ઘંટડી બાંધી. ગોબો ગધેડો ચાલે ત્યારે ઘંટડી ટનટનટન વાગે.
એક દિવસ તીડનું ટોળું આવી ચઢયું. ઘણાં તમરાં પણ હતાં. રાતના સમયે તમરાંનો અવાજ સાંભળી ગધેડો તો રાજી રાજી થઈ ગયો. તેને થયું જાણે હજારો પરીઓ ઝાંઝર બાંધી નાચતી ન હોય !
બીજે દિવસે સવારે તેણે તમરા અને તીડના ટોળાને પૂછયું, તમે આવું મઝાનું મધુર સંગીત કયાંથી શીખી આવ્યાં ?
તીડ અને તમરાંએ ગોબા ગધેડાની મજાક કરતાં કહ્યું, ગોબાભાઈ, અમે તમારી માફક ઉકરડાના કચરો નથી ખાતાં.અમે તો વહેલી સવારની ઝાકળ પીને જ જીવીએ છીએ તેથી અમારો કંઠ આવો મધુર બન્યો છે ! કહી તીડ અને તમરાનું ટોળું ત્યાંથી ઊડી ગયું. એક તમરું બેસી રહ્યું.
ગોબા ગધેડાએ તેને કહ્યું,મારા અવાજ સાંભળી અને પછી તુ કહે મારો અવાજ કેવો છે ? કહી તેણે હોંચીહોંચી.. કરી ભૂંકવા માંડયું.
તમરું બોલી ઊઠયું, વાહ ગોબાભાઈ, વાહ! તમારો અવાજ તો બહુ જ સુંદર છે. તમે પણ જો અમારી જેમ ઝાંકળનું પાણી પીને જ રહેશો તો તમારો અવાજ હજુ વધુ સારો થઈ જશે.
બિચારો ગોબો ગધેડો તમારાંની વાત સાચી માની ગયું. એ દિવસથી ગધેડાએ ખાવાપીવાનું છોડી દીધું. માત્ર ઝાકળનું પાણી પીવા લાગ્યો.
રોજનું અધમણ ખાનાર ગધેડાનું માત્ર ઝાકળના પાણીથી પેટ શી રીતે ભરાય ? ભૂખ્યા પેટે મજૂરી કરવાથી થોડા દિવસોમાં જ તે માંદો પડયો. તેને સમજાઈ ગયું, દરેકની જરૂરિયાત જુદી જુદી હોય. કોઈનો વાદ એમાં ન કરાય. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. અંતે ગધેડો મરણ પામ્યો.

ફકીર અને બાદશાહ

ઘણાં વરસો પહેલાંની વાત છે. એક નવાબ હતા. એ મોટા મહેલમાં રહેતાં હતા.
એક વાર એક ફકીર ફરતો ફરતો નવાબના મહેલ પાસે આવી પહોંચ્યો. ફકીરને મનમાં થયું, આજે તો નવાબ પાસેથી મને ઘણું બધું ધન મળશે. એટલે મારે થોડા દિવસો સુધી માંગવા જવું નહિ પડે.
ફકીર ચોકીદાર પાસે જઈને બોલ્યો, ભાઈ સાહેબ, મારે નવાબ સાહેબનું થોડું કામ છે. મને તેમની પાસે લઈ જાવને ?
ચોકીદારે કહ્યું, તમે અંદર આવો. ફકીર નવાબના મહેલમાં દાખલ થયો. તે સમયે નવાબસાહેબ નમાજ પઢતા હતા. ફકીર થોડીવાર દરવાજામાં ચૂપચાપ ઊભો રહ્યો.
નમાજ પઢતી વખતે નવાબ ધીમે ધીમે બોલતા હતા, યા ખુદા, હું તને ખરા દિલથી સલામ કરું છું. મને ધન,સંપત્તિ,કીર્ત્તિ અને સારું નસીબ દેદુનિયામાં સહુથી વધુ જાહોજલાલી દે
આવું સાંભળીને ફકીર ત્યાંથી જવા લાગ્યો ત્યારે નવાબે ઈશારાથી તેમને ઊભા રહેવા કહ્યું, ફકીર થોડીવાર ઊભો રહ્યો.
નમાજ પઢીને નવાબે ફકીરને પૂછયું, તમે મને મળવા આવ્યા હતા. પણ કંઈ વાતચીત કર્યા વિના કેમ પાછા જાવ છો ? કહો શું વાત કરવી છે ?
ફકીરે જવાબ આપ્યો, નવાબ સાહેબ, હું તમારા પાસે એટલા માટે આવ્યો હતો કે …. પરંતુ ફકીર વળી પાછો જવા લાગ્યો. નવાબે ફકીરને પાછો જતો જોઈ કહ્યું, થોભો ફકીર ! આપને કંઈ જોઈએ તે આપું.
આમ નવાબે ખૂબ જ આગ્રહ કર્યો એટલે ફકીરે કહ્યું, હું આપની પાસે થોડુંક ધન માંગવા આવ્યો હતો. નવાબે કહ્યું, તો પછી કંઈ પણ માગ્યા વિના કેમ જવા લાગ્યા ? ફકીરે કહ્યું, પણ મેં આપને ખુદા પાસે ધનદોલત માંગતા સાંભળ્યા તેથી મારો વિચાર ફરી ગયો.
હું કંઈ સમજયો નહિ. નવાબે પૂછયું. ફકીર કહે, જે પોતે જ ગરીબ છે તે મને શું આપી શકે ? મારે માગવું જ હશે તો હું પણ તમારી જેમ ખુદા પાસેથી જ માગી લઈશ. હવે નવાબ શું બોલે ? ફકીર મહેલ બહાર નીકળી ગયો. ને નવાબ ફકીરને જતો જોઈ રહ્યાં.

બાજ અને કાચબો

ઘણાં વરસ પહેલાં દરિયા કિનરો કેટલાયે કાચબા રહેતા હતા. કાચબા મન થાય ત્યારે પાણીમાંથી બહાર નીકળી કિનારે ફરતાં. એક દિવસ આકાશમાં ઊડતા એક બાજે કિનારે ફરતા કાચબા જોયા.
તે સડસડાટ નીચે આવ્યો. તેણે એક કાચબાને પોતાના પંજામાં પકડયો. તેને દૂર લઈ જઈ મારીને ખાઈ ગયો. તે આ રીતે રોજ એક કાચબો ઉઠાવીને ખાઈ જતો.
એક ઘરડા કાચબાને આની જાણ થઈ. તેને ભારે ચિંતા થઈ. જો બાજ આ રીતે રોજ એક કાચબો ખાઈ જશે તો અમારા માંથી કોઈ બચશે નહિ. બચવા માટે કંઈક ઉપાય શોધવો પડશે. એણે બચેલા કાચબા ઓની એક સભા બોલાવી અને બધાને પૂછયું,તમારે બચવું છે ?કે બાજના હાથે મરવું છે ?
બધા કાચબા બોલ્યા, અમારે જીવવું છે તમે જ કંઈક રસ્તો બતાવો. ઘરડા કાચબાએ કહ્યું,જેમ હું કહું તેમ કરશો તો બચી જશો. અમારો જીવ બચાવવા અમે ગમે તે કરવા તૈયાર છીએ. બધા કાચબા ઓએ કહ્યું.
ઘરડા કાચબાએ બધાને સુચના આપી,કાલે બાજને જુઓ કે તરત બધાએ પાણીમાં ડૂબકી મારી સંતાઈ રહેવાનું. શું ઊંચા પથ્થર ઉપર બેસીને તમારા સૌનું ધ્યાન રાખીશ. હું ફરી બોલાવું નહીં ત્યાં સુધી કોઈએ બહાર નીકળવાનું નથી.
બીજે દિવસે રોજની જેમ બાજ કાચબા પકડવા દરિયા કિનારે ઊડતો આવ્યો. કાચબાઓએ તેને દૂરથી આવતો જોયો કે તરત દરિયાના પાણીમાં ગરક થઈ ગયા.
એક અભિમાની કાચબાએ ઘરડા કાચબાની સલાહ ન માની તે કિનારે જ રહ્યો. બાજે તેને પોતાના અણીદાર પંજાથી પકડી ઊંચકી લીધો. દૂર એક સૂકા ઝાડની ડાળીએ જઈ બેઠો.
ઘરડા કાચબાએ તે જોયું. ઝડપથી તે બાજ પાસે પહોંચી ગયો ને વિનંતી કરતા બોલ્યો, ઓ પંખીરાજ, તમે મારાં બધાં સગાઓને મારી નાખ્યા. હવે હું એકલો જ બચ્યો છું મારે તમારી સાથે એક શરત લગાવવી છે.
બાજે પૂછયું, શેની શરત ?કાચબો કહે, જો તમે શરતમાં હારી જાવ તો પછી કયારેય આ કિનારે આવી કોઈ કાચબાને મારી ખાશો નહીં.
બાજે કાચબાને પૂછયું,પણ હું જીતું તો ?ઘરડાં કાચબાએ કહ્યું, તો સૌથી પહેલાં મને ખાજો. મેં બીજા હજારો કાચબાઓ એક જગ્યાએ સંતાડયા છે. તે પણ તમને બતાવી દઈશ.
બાજ લલચાયો ને બોલ્યો, હજારો કાચબા? બોલ તારી શરત શી છે? આપણે દોડવાની હીરફાઈ કરીએ. હું દરિયામાં તરીશ, તમે આકાશમાં ઊડજો. અઠવાડિયા પછી આપણી હરીફાઈ શરૂ થશે. કાચબાએ બાજને સમજાવ્યું.
લાલચુ બાજ તરત બોલ્યો, મને તારી બધી શરત મંજૂર છે. હું અઠવાડિયા પછી પાછો આવીશ. જીતવાના પૂરા વિશ્વાસ સાથે બાજ ત્યાંથી ઊડી જતો રહ્યો. જેવો બાજ ગયો કે ઘરડા કાચબાએ બાકીના બધાને કાચબાને પાણી માંથી બહાર બોલાવ્યા ને બધાને કહ્યું, હું જેમ કહું તેમ કરજો.તમે બધા પાણીમાં દૂર સુધી અંદર ને અંદર થોડાક અંતરે તરતા રહેજો.તમારા ઉપરથી બાજ ઊડતું દેખાય કે તરત પાણી માંથી ગરદન બહાર કાઢી બાજને દેખાડીને પાણીની અંદર પાછા છુપાઈ જજો.
એક અઠવાડિયા પછી બાજ આવ્યો બોલો કાચબાભાઈ તમારી શી શરત છે ? હું તૈયાર છું. કાચબાએ કહ્યું, સામેના કિનારે પથ્થરો દેખાય છે તેને અડીને આપણા બેમાંથી જે વહેલો પાછો આવી જાય એ જીત્યો કહેવાય.
બાજે કહ્યું, બસ ! આવી મામુલી શરત ! હું તૈયાર છું. તું તૈયાર છે ?કાચબો બોલ્યો, હા, હું પણ તૈયાર છું. કાચબાની અને બાજની દોડ હરીફાઈ શરૂ થઈ. બાજ આકાશમાં ઊડવા માંડયો ઘરડો કાચબો પાણીમાં પડયો.બાજની નજર ચૂકવીને ઘરડો કાચબો પાણીમાંથી નીકળી પાછો કિનારે બેસી ગયો.
નીચે બધાં કાચબાઓ સૂચના મુજબ પાણીમાં એક સીધી રેખામાં સંતાઈ ગયા. ઉપર ઊડતા બાજે નજર કરી તો કાચબાને તો પોતાનાથી ઘણે દૂર આગળ ભાગતો જોયો.બાજે પોતાની ઝડપ વધારી. ફરી નીચે જોયું તો કાચબો તો આગળ ને આગળ દેખાયો. બાજ પથ્થરને અડીને પાછો આવી ગયો. ઘરડો કાચબો તેની પાસે આવીને બોલ્યો,પધારો,બાજરાજ હું તમારી પહેલા આવી ગયો છું. હું શરત જીતી ગયો.
આખરે બાજે પોતાની હાર માની લીધી. બાજે ઘરડા કાચબાને કહ્યું, કાચબાભાઈ, તમે જીત્યા ! હવે જીંદગીમાં હું કયારેય કાચબાનું ભોજન કરીશ નહીં. પોતાના વચન પ્રમાણે તે હંમેશા માટે ત્યાંથી જતો રહ્યો. બધા કાચબાઓએ ઘરડાં કાચબાનો આભાર માન્યો.

Friday, May 7, 2010

સોયાબીનની કથા

ધણાં વર્ષો પહેલાં વીરેન્દ્ર નામનો એક ખૂબ બહાદુર અને હોંશિયાર છોકરો ધર્મનાથ નામના ગૂરૂને ઘરે રહીને અભ્યાસ કરતો હતો. વીરેન્દ્ર ગુરૂજીનો એકદમ માનીતો શીષ્ય હતો. જ્યારે વીરેન્દ્રનું ભણવાનું પુરૂ થયું ત્યારે તેણે પોતાના ગુરૂને કહ્યું, તમે મને તમારી બધી જ વિદ્યા આપી દીધી છે, હું પણ ગુરૂ દક્ષિણા સ્વરૂપે તમને કાંઈક આપવા માંગુ છું.
ગુરૂજી સ્મિત કરતા બોલ્યા, ભગવાન તારૂં ભલું કરે. દીકરા. મારી પાસે બધું જ છે. પણ જ્ઞાનનું એક મોટું પુસ્તક પર્વતની ટોચ ઉપર રહેતી ડાકણ પાસે વર્ષોથી પડ્યું છે. એ પુસ્તક વિના અમે કોઈ ગુરૂઓ તમને કોઈ પણ શિષ્યને પૂરૂ જ્ઞાન આપી શકતા નથી. બેટા, એ ડાકણ બહું શક્તિશાળી છે. જો તે ડાકણને જમીનમાં દાટી દેવામાં આવે તો જ તે ડાકણનું મૃત્યું થાય તેમ છે. વળી, ત્યાં પહોંચવું પણ ઘણું બધું અઘરૂ છે. તું યુવાન અને બહાદુર છે. શું તું મને એ જ્ઞાન કોષ લાવી આપીશ ?
વીરેન્દ્ર પણ પોતાના ગુરૂ માટે જાન આપવા તૈયાર થયો, તે તરત જ તૈયાર થઈ ગયો. ગુરૂજીએ તેના હાથમાં ત્રણ કાંકરા આપતા કહ્યું, તૂં ખૂબ જ મુશ્કેલીમાં હોય ત્યારે જ આનો ઉપયોગ કરજે.
વીરેન્દ્ર ઘણી મહેનતને અંતે ઝાડ ઉપર પહોંચ્યો. રાત પડી ગઈ હતી. તેણે ડાકણનાં મહેલમાં નજર નાંખી. જ્ઞાનકોષ તેની નજર સામે જ પડ્યો હતો. તેમાં દુનિયાભરનું જ્ઞાન હતું. ડાકણ બાજુના ઓરડામાં ઉંઘતી હતી. વીરેન્દ્રએ એ મોટું પુસ્તક હાથમાં લઈને તેના પર એક કાંકરો મૂક્યો. તેણે મનોમન ગૂરૂજીને યાદ કરીને કહ્યું કે આ પુસ્તક દિવાસળીના બાકસ જેટલું નાનું થઈ જાય. ખરેખર તે જ સમયે પુસ્તક નાનું થઈ ગયું. વીરેન્દ્રએ પુસ્તક પોતાના ખિસ્સામાં મૂકી દીધું. એ વખતે જ ડાકણ ઊંઘમાંથી જાગી ગઈ. તેણે વીરેન્દ્રને ગળેથી પકડીને કહ્યું. ઘણે વખતે મારા હાથમાં માનવશરીર આવ્યું છે તેથી હું તને નહી છોડું આજે તને ખાઈ જઈશ.
વીરેન્દ્ર ઘણો જ હોંશિયાર હતો તેથી તેની પાસે વઘેલા બે જાદુઈ કાંકરા યાદ આવ્યા. તેણે ડાકણને કહ્યું, તમે મને ખાઈ જાઓ તેનો મને વાંધો નથી. પરંતુ મને માત્ર પાંચ મિનિટનો સમય આપો, હું બાજુના ઓરડામાં જઈને છેલ્લા વાર મારા ભગવાનની પ્રાર્થના કરવા ઈચ્છું છું.
ડાકણના દિલમાં પણ રામ વસી ગયાં. એણે કેમ કરીને છોકરાની વાત સાચી લાગી. તેણે વીરેન્દ્રને બાજુના રૂમમાં મોકલી દીધો. પરંતુ તેણે એક શરત કરીઃ હું તારા શરીરને દોરડાથી બાંધી દઈશ જેથી તું ભાગી ન જાય.વીરેન્દ્ર કમરે દોરડું બંધાવીને અંધારામાં બીજા ઓરડામાં ગયો. ત્યાંથી બારીમાંથી કૂદીને બહાર જઈને પોતાના કમરેથી દોરડું છોડીને એક ઝાડ સાથે તેને બાંધી દીધું. ગુરૂજીએ આપેલ બીજો ચમત્કારીક પથ્થર તેણે ઝાડ પર વાપર્યો ઝાડ ઝાડ તું મારી જેમ બોલવા લાગ. ખરેખર ઝાડ વીરેન્દ્રની જેમ બોલતું થઈ ગયું.પેલી બાજુ ડાકણ વીરેન્દ્રને ખાવા માટે અધીરી થઈ ગઈ હતી. તેણે બૂમ પાડી ભાઈ, તુ હજી ત્યાં જ છે ને ?ઝાડ બોલ્યું, હા, હુ અહિં જ છું.
વીરેન્દ્ર તો ગુરૂજીના ઘર તરફ દોડવા લાગ્યો. તે લગભગ અડધે રસ્તે પહોંચી ગયો ત્યાં સુધીમાં ડાકણે બે ત્રણ વખત વીરેન્દ્રના નામની બૂમ પાડી. દર વખતે ઝાડે વીરેન્દ્રના અવાજમાં જવાબ આપ્યો. ઘણો સમય થયો એટલે ડાકણને શંકા ગઈ. તેણે દોરડું ખેચ્યું . તો પોતે જ પડી ગઈ. વીરેન્દ્ર પોતાને ઉલ્લું બનાવી ગયો છે તેની ખાત્રી થતાં ડાકણ વીરેન્દ્રને પકડવા માટે દોડી.
વીરેન્દ્રે હવે ત્રીજા જાદુઈ પથ્થરનો ઉપયોગ કર્યોને ડાકણના રસ્તામાં મોટો પર્વત બનાવી દેવાનું વરદાન માંગ્યું. વીરેન્દ્ર જોતજોતામાં ગુરૂજીને ઘેર પહોંચી ગયો. તેણે પુસ્તક ગુરૂજીને આપ્યું તથા ડાકણ પોતાની પાછળ પડી હોવાનું જણાવ્યું. ગુરૂએ વીરેન્દ્રને પોતાના ઘરમાં સંતાડી દીધો. ડાકણ પાછળ પાછળ આવી પહોચી. તેણે ગુરૂજીને કહ્યું, આપે એક છોકરો આ તરફ આવતો જોય છે ?
ગુરૂજીએ કહ્યું, હું એને શોધી લાવું છું. તું થોડું ખાઈ લે. તેમણે ડાકણને ઘણું બધું ખાવાનું આપીને રાજી કરી દીધી.ધર્મનાથે કહ્યું કે તારા જેવી શક્તિશાળી વ્યક્તિ આવા નાનકડા છોકરાની પાછળ પડે તે હું માની નથી શકતો ! તું મને ખૂબ મોટી બનીને બતાવીશ ? તરત જ ડાકણ પર્વત જેટલી મહાકાય થઈ ગઈ.ધર્મનાથે કહ્યું, અરે, વાહ, તું તો મહાન છે ! તું નાની પણ બની શકે છે !ડાકણ ફુલાઈને બોલી, હાસ્તો, હું ધારું, તેવું સ્વરૂપ ધારણ કરી શકું છું.
આમ બોલીને તે એક અનાજના દાણા જેટલી નાનકડી થઈ ગઈ. ધર્મનાથે એક ખાડો તૈયાર જ રાખ્યો હતો. તેમણે એ દાણાને ખાડામાં દાટીને ખાડો માટીથી પૂરી દીધો. હવે ડાકણ જમીનમાંથી ક્યારેય બહાર આવી શકે તેમ ન હતી, પણ તેની શક્તિ સોયાબીનના છોડના સ્વરૂપમાં બહાર આવી.
આ છે સોયાબીનની ઉત્પત્તિની કથા.આજેય શક્તિ મેળવવા માટે સોયાબીન ખાવામાં આવે છે.

બોધઃ-ખોટા વખાણથી ફુલાઈ જવું નહિ