Monday, June 7, 2010

ભાઇ માટેનો પ્રેમ

રામ અને કૃષ્ણ નામના બે સાવકા ભાઈઓ હતાં. તેમના પિતા વર્ષો પહેલા ગુજરી ગયા હતાં. રામકૃષ્ણ કાલિંદી સાથે રહેતા. રામ કાલિંદીનો સાવકો દિકરો હતો. જ્યારે કૃષ્ણ તેનો પોતાનો સગો દીકરો હતો. કાલિંદી રામને હંમેશા મેણા ટોણા માર્યા કરતી અને તેની પાસે ખૂબ જ કામ કરાવ્યા કરતી. કૃષ્ણને પોતાના ભાઈ રામ ખૂબ જ વ્હાલ કરતો હતો તેથી તે પોતાની માને ઘણી વાર રામ સાથે સારૂં વર્તન કરવાનું સમજાવ્યા કરતો.
કાલિંદી રામને તેવું અઘરૂ કામ સોંપે છતાંય રામ તે કામ કરી લાવતો.તેનું કારણ માત્ર એટલું જ હતું કે તે કોઈ પણ રીતે પોતાની સાવકી માને રાજી રાખવા ઈચ્છતો હતો. એક દિવસ સવારના પહોંરમાં કાલિંદીએ રામને બોલાવીને કહ્યું, આ પીપ પાણીથી ભરી કાઢ. હું સાજે આવું ત્યાં સુધીમાં પીપ ભરાઈ જવું જોઈએ. લે, આ ડોલ તેના વડે પાણી લાવી લાવીને ભરી દેજે. આટલું કહીને તે જતી રહી.
રામે પીપ સામે જોયું તો તે તરત જ બોલી ઉઠ્યો કે આવડું મોટું પીપ ભરાતા તો બે દિવસ નીકળી જાય. છતાં પણ તેણે તળાવમાંથી ડોલે ડોલે પાણી લાવીને પીપમાં ભરવાનું ચાલું કર્યું. થોડી જ વારમાં તેને ખ્યાલ આવ્યો કે ડોલ તો કાણી છે. આવી ડોલથી પાણી શી રીતે ભરાશે ? રામ ચિંતા કરતો હતો ત્યા જ કૃષ્ણ આવી પહોંચ્યો. રામે તેને બધી વાત કરી. કૃષ્ણે કહ્યું, મોટાભાઈ ચિંતા ના કરશો. આપણએ બે ભેગા થઈને આખું પીપ જોતજોતામાં ભરી કાઢીશું.
બીજે દિવસે પણ રામના ભાઈ કૃષ્ણે તેને ખૂબ જ મદદ કરી. સાંજેતો બે ભાઈઓ ગાડુ ભરીને લાકડા લાવ્યા.
કાલિંદીએ જોયું કે રામ બધું જ કામ કૃષ્ણની મદદથી જ પુરૂ કરે છે તેથી તેણે બીજ દિવસે કૃષ્ણને પોતાની સાથે બજારમાં લઈ જવાનું વિચાર્યું.
તેણે રામને કહ્યુ, નદીની સામે પાર ખૂબ જ સરસ ઘાસ ઉગે છે, આપણાં પશુંઓ માટે તું લઈ આવ. મારે આજે બજાર માંથી ઘણો બધો સામાન લાવવાનો હોવાથી હું તારા ભાઈ કૃષ્ણ ને મારી સાથે લઈ જાવ છું.
રામ એકલો જ નદી કિનારે પહોંચ્યો. નદીની સામે પાર ખરેખર ખૂબ જ સરસ ઘાસ ઉગેલું હતું. રામને વિચાર આવ્યો કે આટલું સરસ ઘાસ કેમ કોઈ લઈ જતું નહિ હોય ? ત્યાંજ તેની નજર એક વૃદ્ધ ભરવાડ ઉપર પડી.તેણે પૂછ્યું કાકા,નદીની સામે પાર કેવી રીતે જવાય ? મારે ત્યાંથી ઘાસ લાવવાનું છે.
કાકા તરત જ બોલ્યા કે અલ્યા ગાંડો થયો છે કે શું ? મેં આટલા વર્ષોમાં કોઈને પણ નદીની સામે પાર જતા જોયો નથી. ત્યાં જવામાં જાનનું જોખમ રહેલું છે.
રામને તેમની વાતમાં સમજણ ન પડી. જાનનું જોખમ ? શા માટે ?
વૃદ્ધ કાકાએ કહ્યું કે, મારા દાદાના વખતથી ત્યાં હજી સુધી કોઈ ગયું નથી. ત્યાં આટલું બધું ઘાસ વર્ષોથી એમનું એમ જ વધ્યું છે.નદીની પેલે પાર સેંકડો વરૂઓ છે.માણસને જોતાની સાથે જ વરૂઓ માણસ ઉપર તૂટી પડે છે અને તેમને જીવતા ફાડી ખાય છે. તે કોઈનાથી ગભરાતા નથી માત્ર વાઘથી જ તેઓ બી શકે છે. જો તને વાઘનો અવાજ કાઢતાં આવડતો હોય તો તું વરૂઓને ભગાડી શકે છે.
રામને તો વાઘ જેવો અવાજ કાઢતા આવડતો હતો. તેથી તેણે નદી ઓળંગી લીધી. જેવો તે સામે કિનારે પહોંચ્યો કે તરત જ તેની આસપાસ વરૂઓ ફરવા લાગ્યા.પરંતુ રામે જેવી વાઘ જેવી ત્રાડ પાડી કે તરત જ બધા વરૂઓ ગભરાઈને ત્યાંથી નાસી ગયાં. રામે શાંતિથી ઘાસ કાપીને તેના પૂળા બનાવ્યા. ત્યાં જ તેની નજર ત્યાંના એક સોનેરી ઝાડ ઉપર ગઈ. તેના પર સોનેરી રંગના સફરજન હતાં. પાછી તેને ભૂખ પણ ખૂબ જ લાગી હતી તેથી તેણે એક સફરજન તોડીને ખાઈ લીધું. ત્યાં જ તેને વિચાર આવ્યો કે આ સફરજન સાથે જો એકાદ પ્યાલો દૂધ મળી જાય તો મજા પડી જાય. બીજી જ સેકંડે તેણે દૂધ પીધું હોય તેવો સંતોષ થઈ ગયો. તેણે તરત જ બીજુ સફરજન તોડીને ખાતા ખાતા વિચાર્યું કે જો આની સાથે સાથે નારંગીનો રસ મળી જાય તો કેવી મજા પડી જાય. તરત જ તેણે જાણેકે નારંગીનો રસ પીધો હોય તેવો આનંદ થયો. તેથી રામને ખાત્રી થઈ ગઈ કે, માનો ના માનો પરંતુ આ કોઈ સામાન્ય ઝાડ નથી બધી ઈચ્છાઓ પૂર્ણ કરનારૂ આ કલ્પૃક્ષનું ઝાડ છે.
કાલિંદી ક્યારેય રામને સારું ખાવા પીવાનું આપતી નહોતી તેથી રામ એકદમ દુબળો અને પાતળો બની ગયો હતો. તેણે તરત જ ઝાડ પાસે ઈચ્છા વ્યક્ત કરી કે મને ખૂબ જ શક્તિશાળી બનાવી દો અને મને સારા સારા કપડા આપો. તેની તે ઈચ્છા પણ પૂરી થઈ. રામે ઘાસના ભારા હવે સહેલાઈથી ઉચકી લીધા અને પોતાના ઘરે જવા માટે ત્યાંથી નીકળ્યો.
જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે કાલિંદી તો તેને જોઈને જ ચકિત થઈ ગઈ ! ક્યાં પેલો પાતળો, સુકલકડી રામ અને ક્યાં રૂપાળો કાદવર, નવા કપડાંમાં શોભતો રામ ! કાલિંદીએ તો ધાર્યું હતું કે રામ પેલે પાર જશે અને મરી જશે. વરૂઓ ભેગા થઈને તેને મારી નાંખશે. અહીં તો તેની નજર સામે એક હૃષ્ટપુષ્ટ રામ ઊભો હતો! કાંલિદી અને કૃષ્ણે રામને ઘણા બધા પ્રશ્વો પૂંછયા. રામે ભોળા ભાવે કહ્યું કે, નદીને પેલે પાર એક વૃક્ષ છે એ વૃક્ષ પર જાદુંઈ ફળ ઉગે છે જે ખાવાથી બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે.
બીજે દિવસે રામ જ્યારે બજારમાં પૂળા વેચવા ગયો કે કાલિંદીએ કૃષ્ણને બોલાવીને કહ્યું કે, તું પણ નદીની સામે પાર જઈને પેલા ઝાડ પાસે ઘણી બધી સંપત્તિ માંગી લાવ. તારા ભાઈને મળી શકતું હોય તો તને પણ મળશેજ.
થોડો વિચાર કરીને કૃષ્ણ નદી ઓળંગવા ગયો, કૃષ્ણના ગયા પછી થોડા સમયમાં જ રામ ત્યાં આવી પહોંચ્યો. તેણે પૂછયું કે, માં, કૃષ્ણ ક્યાં છે ?
કાલિંદીએ રામને કહ્યું કે, મેં કૃષ્ણને નદીની પેલી પાર મોકલ્યો છે ?
રામ ખૂબ જ ગુસ્સા સાથે બોલ્યો કે, માં, ત્યાં વિકરાશ વરૂઓ વસે છે. તે કૃષ્ણનો કોળિયો કરી જશે. તમારે કોઈ પણ અધરા કામ મને સોંપવા મારા નાના ભાઈને નહિ ! એને કાંઈ થશે તો હું તેના વિના જીવી નહિ શકું.
આટલું બોલીને તે નદી તરફ દોડ્યો.કાલિંદી હવે ખરેખર ગભરાઈ ગઈ.તે પણ રામની પાછળ પાછળ દોડી નદીની સામે પાર પેલા કલ્પવૃક્ષની ઉપર કૃષ્ણ ચડી તો ગયો હતો પરંતુ નીચે વરૂઓનું ટોળું તેની રાહ જોઈને ઉભું હતું. રામે આવીને વાધ જેવી ત્રાડ પાડી તેથી બધા જ વરૂઓ ગભરાઈને ત્યાંથી નાસી ગયા.તેણે તરત જ ઝાડ ઉપર ચડીને ગભરાઈ ગયેલા પોતાના ભાઈને નીચે ઉતાર્યો અને સૌથી પહેલા ઝાડ પરથી એક સફરજન તોડીને ખાઈ લીધું તથા મનમાં એક ઈચ્છા વ્યક્ત કરી.
નદીની સામે પાર કાલિંદી બંન્ને ભાઈઓની રાહ જોઈને ઉભી હતી. જ્યારે તેઓ આવી પહોંચ્યા એટલે તેણે બંન્ને દિકરા ઓને એક સરખું વહાલ કર્યું. હવે તેને કોઈ સંપત્તિની જરૂર ન હતી. પ્રભુએ તેને તેના બંન્ને દિકરાઓ પાછા આપી દીધા એ જ તેની મોટી ભેટ હતી.
રામે પૂછ્યું ભાઈ, છેલ્લે તે સફરજન ખાઈને ઝાડ પાસે શું માંગ્યું ? તને ત્યાંથી છોડાવે તેવું તે માંગ્યું હોત તો કદાચ તું બચી જાત.
કૃષ્ણે કહ્યું કે મારે બચી જવા કરતાં આપણી માં આપણને બંન્નેને એકસરખો પ્રેમ કરે તે મહત્વનું હતું તેથી મેં એ વૃક્ષ પાસે માંગણી કરી કે મારી માં પણ રામને પણ મારા જેટલો જ પ્રેમ કરે.
બધાની આંખમાં આસું આવી ગયા. ત્રણેય જણા શાંતિથી રહેવા લાગ્યા.
બોધઃ-પોતાના ભાઈબહેન માટે મરવાની પણ તૈયારી રાખવી જોઈએ

No comments: