ધર્મપુર નામના એક ગામમાં કેશવ અને લીલા રહેતા હતાં. કેશવનો નાનો ભાઈ શ્રીધર પણ કેશવની સાથે જ રહેતો હતો. કેમ કે તે અનાથ હતો. લીલાને શ્રીધર દીઠોય ગમતો ન હતો.તેથી તે તેને સતત નાના મોટા કામો બતાવ્યા કરતી.શ્રીધર પોતાની ભાભીના આ કચકચિયા સ્વભાવથી કંટાળી ગયો હતો.
એક દિવસ લીલાએ શ્રીધરને જંગલ માંથી લાકડા લઈ આવવાનું કહ્યું શ્રીધરે ઘણું લાકડા ભેગા કર્યા પરંતુ કુહાડી તે જંગલમાં જ ભૂલી ગયો.એ ઘેર પહોંચ્યો ત્યારે તેને યાદ આવ્યું કે તે કુહાડી તો જંગલમાં ભૂલી ગયો છે. ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તો રાત પડી ગઈ હતી. જ્યારે લીલાને આ વાતની ખબર પડી ત્યારે તે શ્રીધર ઉપર બરાબરની ગુસ્સે ભરાઈ. તું હમણાને હમણાં જંગલમાં જા અને કુહાડી લઈને પાછો આવ. કુહાડી નહિ મળે તો તને ખાવાનું પણ નહિ મળે,
સામાન્ય રીતે રાત્રીના સમયે જંગલમાં જતી વખતે કોઈ પણને બીક લાગે. જ્યારે શ્રીધર તો હજી ખૂબ જ નાનો હતો. તેને ભૂખ પણ વધારે લાગી હતી. છતાંય ભાભીના હુકમને વશ થઈને તે જંગલ તરફ ચાલવા લાગ્યો. અંધારૂ તો એટલું બધું હતું કે કુહાડી તો ક્યાંય મળી નહિ. કુહાડી શોધતા શોધતા તે જંગલમાં ખૂબ ઉંડે સુધી જતો રહ્યો. ત્યાં તેણે એક ગુફા જોઈ. તેમાં વળી એકાએક વરસાદ પડવા લાગ્યો. તેથી શ્રીધર પોતાની સલામતી માટે ગૂફામાં પેસી ગયો. ત્યાં તેણે પોતાની કુહાડી તેમજ બાવળાનું લાકડું જોયું. તેથી તેને ખૂબ જ નવાઈ લાગી ! મારી કુહાડી અહીં ક્યાંથી ! ગૂફામાં ચાલચો ચાલતો જ્યારે તે ઘણો અંદર સુધી ગયો ત્યારે તેણે શું જોયું ! થોડા વહેંતિયાઓ સળગતા લાકડાની આસપાસ નૃત્ય કરી રહ્યા હતાં. એક ઘરડો વહેંતિયો શ્રીધરને જોઈ ગયો. તેણે શ્રીધરને કહ્યું અમારી પાસે નૃત્ય કરવા માટે આવી જા આજે અમારો ઉત્સવ છે.
શ્રીધર ગભરાઈ ગયો. તેણે તરત જ જવાબ આપ્યો. આગ ઓલવાઈ જવાની તૈયારી હતી ત્યારે શ્રીધરે તેમાં થોડા લાકડા નાંખ્યા. આગ વધારે પ્રજવલ્લિત થઈ. વહેંતિયાઓ તેની સેવાથી વધારે ખૂશ થઈ ગયાં.વૃદ્ધ વહેંતિયાએ આવીને કહ્યું “ તું ખૂબ સારો માણસ છે. તે અમને ઘણી મદદ કરી છે. અમે તને એક ભેટ આપવા માંગીએ છીએ. આ એક જાદુઈ પંખો છે. તું એને હલાવીને જે માંગીશ તે તને મલી જશે. જ્યારે તારે એ વસ્તું ન જોઈતી હોય ત્યારે બસ કરો, બસ કરો, આટલું બોલજે. આટલું કહીને શ્રીધરને પંખો આપીને વહેંતિયાઓ જતા રહ્યા. ”
શ્રીધરને તો પહેલા આખી વાત સ્વપ્ન જેવી લાગી. આવું ખરેખર બની શકે ખરૂં ? પંખો જાદુઈ હોઈ શકે ખરો ? તેને તે સમયે ખૂબ જ ભૂખ લાગી હતી. તેથી તેણે પંખો હલાવીને તેણે સારૂં સારૂં ખાવાનું માંગ્યું. ખરેખર લાડવા, દાળ,ભાત તથા વાલની થાળી આવી ગઈ. શ્રીધર ખાઈ શકે તેથી પણ વધારે ખાવાનું આવી ગયું. એટલે શ્રીધર બોલ્યો, “ બસ કરો, બસ કરો ”. તરત જ ખાવાનું આવતું બંધ થઈ ગયું. શ્રીધર ખુશ થઈ ગયો. હાશ ! હવે ભાઈ ભાભી ઉપર આધાર રાખવો નહિ પડે.! સૌથી પહેલા તો તે તેમના ઘર માંથી નીકળી જવા માટે ઈચ્છતો હતો. તેણે જાદુઈ પંખાએ કહ્યું, પંખા, પંખા મારે માટે દરિયાકિનારે એક સરસ મકાન બનાવી આપ. તરત જ નવું મકાન બની ગયું. ત્યાર બાદ તો પંખાની મદદથી તેણે ઘણા બધા ગરિબોને મદદ કરી અને પાંચમાં પુંજાવા લાગ્યો.
કેશવ પાસે શ્રીધરની સમૃદ્ધિના જ્યારે સમાચાર પહોંચ્યા ત્યારે કેશવ અને લીલાએ શ્રીધરને મળવાનું મનોમન વિચારી લીધું.
શ્રીધરના મકાનની બહાર તો મોટી મોટી લાઈનો લાગેલી હતી. દરેકને કાંઈકને કાંઈક જોઈતું હતું. શ્રીધર પોતાની શક્તિ અનુસાર દરેકની ઈચ્છા પુરી કરવાનો પ્રયત્ન કરતો હતો. લીલા તો શ્રીધરની આવી પ્રસિદ્ધિ જોઈને ઈર્ષ્યાની આગમાં બળી જ ગઈ. પરંતુ શ્રીધરે જ્યારે પોતાના ભાઈ ભાભીને જોયા ત્યારે તે પોતાના જુના દિવસો ભૂલીને તેમને માનપૂ્ર્વક ઘરમાં બોલાવી લાવ્યો.
લીલા અને કેશવ થોડો સમય શ્રીધરને ઘરે રહ્યાં. બંન્ને ઈર્ષ્યાની દાઝે બળી રહ્યા હતાં. લીલાએ કેશવને કહ્યું,તમે જઈને શ્રીધરને પૂંછો તો ખરા કે થોડા વખતમાં તે આટલો બધો રૂપિયા વાળો કેવી રીતે થયો ?
શ્રીધરે ભોળા ભાવે જાદુઈ પંખાની બધી વાત પોતાના ભાઈને કરી દીધી. રાત્રેજ શ્રીધર અને લીલા પોતાના ભાઈનો એ પંખો લઈને પલાયન થઈ ગયાં.લીલાએ વિચાર્યું કે હું તો પંખાને કહીશ કે મને રાણી બનાવી દે. ભાગતા ભાગતા તો બંન્ને જણા દરિયાકિનારે પહોંચી ગયાં. એક મોટું વહાણ ઉપડવાની તૈયારીમાં જ હતું. લીલાએ કેશવને કહ્યું આપણે બંન્ને જણા વહાણમાં બેસીને દુરના બીજા કોઈ દેશમાં જઈને વસી જઈએ. ત્યાં આપણને કોઈ પકડશે નહિ.
વહાણ મુસાફરોથી ભરાઈ ગયું હતું.તેઓ સૌથી છેલ્લા પ્રવાસીઓ હતાં.લીલા અને કેશવ જેવા વહાણમાં ચડ્યા કે તરત જ કપ્તાને પુછ્યું કે તમારા થેલામાં શું છે.? તમે ક્યાંથી આવો છો ?
લીલા હાજર જવાબી હતી તેથી તે તરત જ બોલી, મારા પતિ મીઠાના વેપારી છે. આ થેલામાં મીઠું છે. અમે અમારા ઘરાકોને મળવા માટે જઈએ છીએ. વહાણ ઊપડ્યું. લીલા અને કેશવને શાંતિ થઈ.
બીજે દિવસે વહાણનો રસોઈયો કપ્તાન પાસે આવ્યો તેણે ક્હયું કે રસોઈ માટે મીઠું જ લાવવાનું રહી ગયું છે. કાલે આપણું વહાણ બીજા ગામ પહોંચે ત્યાં સુધી તમામે મીઠા વિના જ ચલાવવું પડશે.
કપ્તાનને તરત જ લીલા અને કેશવ યાદ આવ્યા.તેમણે કેશવને કહ્યું કે તમારા થેલામાંથી થોડું મીઠું કાઢી આપશો ? રસોઈયો મીઠું લાવવાનું ભૂલી ગયો છે.
લીલા અને કેશવ શું બોલે ? બંન્ને એકમેકની સામે જ જોઈ રહ્યા. પછી કેશવ બોલ્યો કે તમે જાઓ હું ડોલ ભરીને મીઠું લઈને આવું છું. !
તેઓ પોતાની રૂમમાં ગયા.પંખો કાઢ્યો.હલાવીને મીઠું કાઢવા વિનંતી કરી.જોત જોતામાં તો મીઠાના થેલા ચારે બાજુએથી વહાણમાં પડવા લાગ્યાં. લીલા અને કેશવ મુંઝાઈ ગયા. હવે આ મીઠું પડતું બંધ કઈ રીતે કરવું ? તેમણે પંખો હલાવ્યો અને બંધ કરો, બંદ કરો, હવે નથી જોઈતું. વગેરે વગેરે જાતજાતના શબ્દો બોલ્યા, પરંતુ પંખો તો પોતાનું કામ કર્યે જ જતો હતો. જ્યાં સુધી બસ કરો શબ્દ ન બોલાય ત્યાં સુધી પંખો પોતાનું જાદુ ચાલું જ રાકવાનો હતો.
ધીમે ધીમે વહાણમાં મીઠાના થેલાઓનું વજન વધવા લાગ્યું. છેવટે આખું વહાણ લીલા કેશવ સહિત દરિયામાં ડૂબી ગયું અને એ દિવસથી દરિયાનું પાણી ખારું થઈ ગયું. તેથી તો સાચું કહેવામાં આવ્યું છે કે લોભે લક્ષણ જાય.
બોધઃ- સમજ્યા વગર કોઈ કામ ન કરવું.

No comments:
Post a Comment