દિવાળીનો તહેવાર આવતો હતો. ગિરિજા ખૂબ ચિંતામાં રહેવા લાગી. તેણે પોતાના પતિને કહ્યું, તહેવાર આવે છે પંરતુ ઘરમાં સારું ખાવાનું બનાવવા માટે તેલ-ઘી કે ખાંડ નથી. નવા કપડાની પણ જરૂર છે. ગિરિધરે કહ્યું, તું ચિંતા ન કરીશ, મેં ટાઢ, તડકો અને વરસાદમાં વપરાય એવી જુદી જ જાતની ટોપીઓ બનાવી છે. શહેરમાં જઈને એ ટોપીઓ વેચીશ તો ઘણા રૂપિયા મળશે, પછી તારે દિવાળીની ચિંતા કરવાની રહેશે નહિ.
ગિરિધરે ત્રણ ટોપી લઈને ચોખાના ખેતરો વટાવ્યાં, પર્વતો વટાવ્યા, જંગલમાં થઈને શહેરમાં પહોંચ્યો. શહેરમાં મોટું બજાર ભરાયું હતું. ગિરિધરે બનાવેલી ટોપીઓ વેચવા માટે ખૂબ જ બુમો પાડી. પણ જૂની ફેશનની એ ટોપીઓ કોઈને ગમી નહિ. કોઈ ઘરાક ન મળ્યો.ખૂબ નિરાશ થઈને ગિરિધર સાંજે પોતાને ઘરે જવા માટે નિકળ્યો.
રસ્તામાં તેને એક વાંદરૂ મળ્યું. તે ટાઢથી થથરતું હતું. ગિરિધરે વાંદરાને એક ટોપી આપતા કહ્યું, આ ટોપી ટાઢથી તારૂ રક્ષણ કરશે.ઘર તરફ આવતા રસ્તામાં એક ચાડીયો ઉભો હતો. ચાડિયાના શરીર પર સતત વરસાદ વરસતો હતો. ગિરિધર ખૂબ જ દયાળું હતો. તેણે બીજી ટોપી એ ચાડિયાના માથા પર મૂકી દીધી. આ ટોપી તને હંમેશા ગરમાવો આપશે.રસ્તામાં પર્વત પર એક ગાય મળી. ગાય પણ ઠંડીથી થથરતી હતી. ગિરિધરે ગાયને છેલ્લી બચેલી ટોપી ઓઢાડતા કહ્યું, આ ટોપી તને હંમેશા ગરમાવો આપશે.
ગિરિધર ખાલી હાથે ઘરે પહોંચ્યો.ગિરિજાઓ ટોપીઓના રૂપિયા માંગ્યા. ગિરિધર કહ્યું, મેં ટોપીઓ વેચી નથી. જેને તેની જરૂરિયાત હતી તે તમામને આપી દીધી.ગિરિજા ગરીબાઈથી કંટાળી ગઈ હતી તેને ગિરિધરનું આ વર્તન ન ગમ્યું પરંતુ એ શાંત રહી.
બીજે દિવસે તેમના દરવાજા ઉપર ટકોરા પડ્યા. પતિ-પત્નિ માંડ માંડ ઉભા થયાં. બંન્નેએ રાત્રે કાંઈ જ ખાધું ન હતું.બહાર વાંસની મોટી છાબડી પડી હતી. તેમાં જાત જાતના ફળ, ચોખાની મોટી ગુણ, તથા ગાયનું તાજું દુધ હતા. આસપાસ કોઈ ઉભું ન હતું.
ગિરિજા બોલી, ચાલો આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ. આપણાં પડોશીઓનાં છોકરાઓ માટે પણ હું હવે દૂધ અને ચોખાની ખીર બનાવીશ.
વાંસની ટોપલીમાંથી તેમણે બધી વસ્તુઓ ખાલી કરી કે તરત જ ટોપલી ફરીથી ભરાઈ ગઈ. વર્ષ સુધી આ પ્રમાણે થતું રહ્યું. ગિરિધરે કહ્યું કોઈએ કરેલા ઉપકારનો બદલો વાળવાની ભાવના માણસ કરતાંય પ્રાણીઓમાં વધારે હોય છે તે મને સમજાયું છે.
બોધઃ-માણસ કરતા પ્રાણીઓમાં બદલો વાળવાની ભાવના વિશેષ હોય છે.

No comments:
Post a Comment